VIDEO: સુરેન્દ્રનગરમાં ૪ રાજસ્થાની યુવકોના મોતથી હાહાકાર: બીજા દિવસે પણ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર!
સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગામે નદીમાં નાહવા પડેલા રાજસ્થાનના ચાર શ્રમિક યુવકો ડૂબી જવાની ઘટનામાં પરિવારે સતત બીજા દિવસે પણ મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મૃતકોમાં ત્રણ ૨૦ વર્ષીય અને એક ૧૬ વર્ષીય કિશોરનો સમાવેશ થાય છે, જેમની અંતિમવિધિ અટકાવી પરિવારે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે ન્યાયની માંગ સાથે ધામા નાખ્યા છે. પરિજનોનો ગંભીર આરોપ છે કે તેઓ જે સોલાર પ્લાન્ટમાં કામ કરતા હતા ત્યાં બાથરૂમ કે પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી યુવકોને નાહવા માટે નદીએ જવું પડ્યું હતું અને કંપનીની આ ઘોર બેદરકારીના કારણે તેમણે જીવ ગુમાવ્યો છે. ઘટનાના ૭૨ કલાક વિતી જવા છતાં સોલાર કંપનીના માલિકો કે જવાબદારો ઘટનાસ્થળે કે હોસ્પિટલ ન પહોંચતાં પરિજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. પીડિત પરિવારે સિવિલ તંત્ર કે પ્રશાસન તરફથી યોગ્ય સહયોગ ન મળતો હોવાનો આક્ષેપ કરી કંપનીના માલિકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

