VIDEO: સુરેન્દ્રનગરમાં પાંચ મહિનાથી રોડ અધૂરોઃ તંત્રના પાપે લોકો પરેશાન
તંત્રની ઘોર બેદરકારીના કારણે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં સ્થાનિક રહીશો અને માસૂમ વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રતનપર વિસ્તારમાં આવેલી નીલકંઠ વિદ્યાલયથી લઈને આરટીઓ કચેરી સુધી જતો મુખ્ય રોડ છેલ્લા પાંચ મહિનાથી ખોદીને એમ જ બિસ્માર હાલતમાં મૂકી દેવામાં આવ્યો છે. રોડ રસ્તાના નવનિર્માણનું કામ અધૂરું છોડીને કોન્ટ્રાક્ટર પાંચ મહિનાથી ગુમ થઈ જતાં વહીવટીતંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. આ અધૂરા કામને કારણે નીલકંઠ શાળાના 1200થી વધુ વિદ્યાર્થીઓ અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જ્યારે આસપાસની સોસાયટીઓના 100થી વધુ પરિવારોને અહીંથી પસાર થવામાં ભારે અગવડતા પડી રહી છે. સુરેન્દ્રનગર મહાનગર તો બન્યું પરંતુ સુવિધાના નામે શૂન્ય સાબિત થતાં સ્થાનિક જનતામાં તંત્ર સામે તીવ્ર રોષ ફેલાયો છે અને લોકો વહેલી તકે આ રોડનું કામ પૂર્ણ કરવાની માગ કરી રહ્યા છે.

