Surendranagar: ઇસ્ત્રી ટાઈટ કપડાં સાથે બૂટમાં સજ્જ પ્રાંત અધિકારીએ ખેતરમાં જઈ વાઢી જાર
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ પેન્ટ શર્ટમાં સજ્જ થઈ ખેતરમાં જઈ ખેતીકામમાં હાથ અજમાવ્યો હતો. આ અધિકારીએ ફરજ નિભાવવાની સાથે ખેતરમાં જાર વાઢવાનું કામ પણ કર્યું, જેનાથી આજુબાજુના ખેડૂતો અને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
ચોટીલા વિસ્તારમાં ખનીજ ચોરીની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે હરેશ મકવાણા દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન, તેઓ એક ખેતરમાં પહોંચ્યા જ્યાં પરિવાર જારની લણણી કરી રહ્યો હતો. ફરજની ગંભીરતા વચ્ચે પણ હરેશ મકવાણાએ હળવાશના મૂડમાં દાંતરડું હાથમાં લઈ, ખેતરમાં જાર વાઢવાનું શરૂ કર્યું. તેમનો આ અનોખો અંદાજ જોઈ આજુબાજુના ખેડૂતો અને લોકો અચંબામાં પડી ગયા.
આ ઘટનાએ સ્થાનિક લોકોમાં હરેશ મકવાણાની લોકપ્રિયતા વધારી છે. ખેતરમાં જાર વાઢતા અધિકારીનું આ દૃશ્ય એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો છે, જે દર્શાવે છે કે ફરજ અને માનવતા એકસાથે ચાલી શકે છે.

