Surendranagar: રોગચાળાનો કહેર: કોલેરા, મેલેરિયા, શરદી-ઉધરસના કેસોમાં વધારો

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની ઋતુ બાદ રોગચાળાએ માઝા મૂકી છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં કોલેરા, મેલેરિયા, શરદી, ઉધરસ અને તાવ જેવા રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
વરસાદી પાણીના ભરાવાથી મચ્છરજન્ય રોગોમાં વધારો
સુરેન્દ્રનગર શહેરના ઘણા વિસ્તારોમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયેલું જોવા મળે છે. અપૂરતા ડ્રેનેજના કારણે આ પાણી ખાબોચિયાઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જાય છે. જે મચ્છરોના ઉત્પત્તિનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. પરિણામે, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ ઉપરાંત, શરદી, ઉધરસ અને તાવના કેસો પણ વધ્યા છે.
ફિલ્ટર વગરનું અશુદ્ધ પીવાનું પાણી
શહેરમાં ફિલ્ટર વગરનું અશુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે, જેના કારણે કોલેરા જેવા પાણીજન્ય રોગોના કેસોમાં વધારો થયો છે. આ પરિસ્થિતિ ખાસ કરીને ગરીબ અને નીચાણવાળા વિસ્તારોમાં વધુ ગંભીર છે, જ્યાં શુદ્ધ પાણીની સુવિધા અપૂરતી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા પાણી શુદ્ધિકરણની પ્રક્રિયા પર યોગ્ય ધ્યાન આપવામાં આવી રહ્યું નથી, જેના કારણે આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે.
હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો
સુરેન્દ્રનગરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી અને મેલેરિયા જેવા રોગોની અસર વધુ જોવા મળી રહી છે.

