Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Farmers angry after waiting for 10 months for crop damage compensation,

Surendranagar: પાક નુકસાન વળતર માટે 10 મહિનાથી રાહ જોતાં ખેડૂતોનો આક્રોશ, TDOને ઉગ્ર રજૂઆત

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ખેડૂતો પાક નુકસાનના વળતરની છેલ્લા 10 મહિનાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હજુ સુધી તેમને પાક નુકસાનીનું વળતર મળ્યું નથી. જેને લઈ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ઓક્ટોબર 2024માં અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકસાનનું વળતર 10 મહિના વીતવા છતાં ખેડૂતોને મળ્યું નથી. આ મુદ્દે ખેડૂત હીત રક્ષક સમિતિની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો લખતર તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારી (TDO)ને ઉગ્ર રજૂઆત કરી હતી.

App Store

ખેડૂતોનો આરોપ છે કે જ્યારે તેઓ રજૂઆત કરવા લખતર તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા ત્યારે ખેતીવાડી અધિકારીઓ કચેરીને તાળું મારી નાસી ગયા હતા. આ ઘટનાથી ખેડૂતોમાં રોષ વધુ ઉગ્ર બન્યો છે. ખેડૂત હીત રક્ષક સમિતિએ આ અંગે સરકારની ઉદાસીન નીતિ અને અધિકારીઓની બેજવાબદારીને જવાબદાર ગણાવી છે.

વળતર માટે ફોર્મ ભરવામાં અસમંજસ

ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે વિશેષ પાક નુકસાન સહાય મેળવવા માટે ફોર્મ ભરવું જરૂરી છે કે નહીં, તે અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શન નથી. ધારાસભ્ય પી. કે. પરમારે દાવો કર્યો છે કે અગાઉ ભરેલા ફોર્મ જ માન્ય રહેશે અને નવા ફોર્મ ભરવાની જરૂર નથી. પરંતુ, સરકારે આ વિશે કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો નથી, જેના કારણે ખેડૂતોમાં મૂંઝવણ છે. આ અસ્પષ્ટતાને લીધે ઘણા ખેડૂતો વળતરથી વંચિત રહેવાના ભયમાં છે.

ખેડૂતોએ માંગ કરી છે કે સરકારે તાત્કાલિક ધોરણે નુકસાનનું વળતર ચૂકવવું જોઈએ. ખેડૂત હીત રક્ષક સમિતિ અને સ્થાનિક આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સરકારે યોગ્ય નિર્ણય નહીં લીધો તો આંદોલન વધુ તીવ્ર બનશે. ખેડૂતોનું કહેવું છે કે મોંઘા બિયારણ અને ખેતીના ખર્ચ બાદ પણ પાક નિષ્ફળ જાય ત્યારે સરકારી સહાય એકમાત્ર આશા હોય છે, પરંતુ વહીવટી નિષ્ક્રિયતાને કારણે તેમને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 

તાલુકા વિકાસ અધિકારી શ્વેતા ત્રિવેદી

આ બાબતે તાલુકા વિકાસ અધિકારી શ્વેતા ત્રિવેદી સાથે વાત કરતાં કહ્યું હતું કે ખેડૂતોની નુકસાનનું વળતર રજૂઆત મળી છે. અને તેને આગળ સુધી પહોંચાડવામાં આવશે. અને સરકાર તરફથી જે સૂચના મળશે તે પ્રમાણે કામ કરવામાં આવશે.