GIR SOMNATH: વ્યાજની રકમ નહિ ચૂકવી શકતા ગરીબ ખેડૂતની જમીન હડપી: પોલીસકર્મી સહિત ત્રણ વિરુદ્ધ નોંધાયો ગુનો

સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના આંકોલાળી ગામના ખેડૂત વીરા જાદવ ચુડાસમા વ્યાજખોરોની ચુંગલમાં ફસાઈ ગયા હતા. વ્યાજની રકમ નહિ ચૂકવી શકતા જમીન ગુમાવવાનો વારો આવ્યો હતો. આ મામલે નિવૃત મહિલા CDPO મધુબેન માંડલિયા, પોલીસકર્મી રાજુ પરમાર અને તેમના ભાઈ હિતેશ દેવશી પરમાર વિરુદ્ધ ગીર ગઢડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક ખેડૂતોમાં રોષ ફેલાવ્યો છે.
આંકોલાળી ગામના ખેડૂત વીરા જાદવ ચુડાસમાના પરિવારનો આરોપ છે કે, તેમની પત્ની અને પુત્ર બીમાર હતા અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સંજોગોમાં તેમણે નિવૃત મહિલા CDPO મધુબેન માંડલિયા પાસેથી 18 લાખ રૂપિયા 4 ટકા માસિક વ્યાજે લીધા હતા. આ રકમના બદલામાં તેમની જમીન ગીરવે મૂકવામાં આવી હતી.
જમીનનો દસ્તાવેજ હિતેશ દેવશી પરમારના નામે કરાવી લીધો
2022 પછી વીરા જાદવે મૂળ રકમના 18 લાખમાંથી 12 લાખ રૂપિયા વ્યાજ તરીકે ચૂકવી દીધા હતા. જોકે, આર્થિક તંગીને કારણે તેમની પાસે વધુ વ્યાજ ચૂકવવાના પૈસા ન હોવાથી વ્યાજખોરોએ તેમની જમીનનો દસ્તાવેજ હિતેશ દેવશી પરમારના નામે કરાવી લીધો હોવાનો આરોપ છે. આ ઘટના બાદ વીરા જાદવએ પોતાની જમીન પાછી મેળવવા માટે હિતેશ પરમારને ફોન કર્યો ત્યારે તેમણે જમીન પરત આપવા માટે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
આ ઉપરાંત, જ્યારે ખેડૂતે ગીર ગઢડા પોલીસ મથકે ફરજ બજાવતા હિતેશના ભાઈ રાજુ પરમારનો સંપર્ક કર્યો, ત્યારે રાજુએ 35 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આવી રીતે વ્યાજખોરીના નામે ખેડૂતની જમીન હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે તપાસ શરૂ કરી
આ મામલે વીરા જાદવે ગીર ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જેના પગલે મધુબેન માંડલિયા, રાજુ પરમાર અને હિતેશ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે, અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

