VIDEO: સાંજની બસ બંધ કરી દેવાતા મુસાફરોને હાલાકી
સુરેન્દ્રનગર ડેપો દ્વારા સાંજના સમયે ચાલતી એસ.ટી. બસ અચાનક બંધ કરી દેવામાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા તરફ જતી સાંજે 5:30 વાગ્યાની નિયમિત બસ બંધ કરવાના ડેપો મેનેજરના નિર્ણય સામે મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. સાંજના આ વ્યસ્ત સમયે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓની અવરજવર સૌથી વધુ રહેતી હોય છે. આ બસ બંધ થવાને કારણે મુસાફરોનો ભારે ધસારો તેના પછીની એટલે કે 6 વાગ્યાની મિની બસ પર જોવા મળ્યો હતો. માત્ર 30 સીટની ક્ષમતા ધરાવતી આ મિની બસમાં 70 કરતા પણ વધુ મુસાફરો જીવના જોખમે ખીચોખીચ ભરાઈને મુસાફરી કરવા મજબૂર બન્યા હતા, જેના કારણે એસ.ટી. નિગમના તમામ નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા હતા. ગ્રામ્ય રૂટની બસો અવારનવાર બંધ થવાથી એસ.ટી. તંત્રનું સંચાલન સંપૂર્ણપણે ખાડે ગયું હોવાના ગંભીર આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.

