Surendranagar: કાળા કાચ અને નંબર વગરની ગાડીમાં ફરતા મનપાના અધિકારીઓ, લોકો પાસે કાયદાનું પાલન કોણ કરાવશે
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સરકારના સ્પષ્ટ નિયમ છે કે શોરૂમમાંથી નંબર વગર ગાડી બહાર ન નીકળી શકે છતાં, મહાનગરપાલિકાના અધિકારીઓ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓમાં શહેરના રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા છે, જેના કારણે લોકોમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે.
સરકારના પરિપત્ર મુજબ, શોરૂમમાંથી કોઈપણ ગાડી નંબર પ્લેટ વગર બહાર ન નીકળી શકે. આ ઉપરાંત, ટ્રાફિક નિયમો હેઠળ કાળા કાચવાળી ગાડીઓ પર પણ પ્રતિબંધ છે, કારણ કે તે સલામતી માટે જોખમી ગણાય છે. આ નિયમોનું પાલન આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્ય નાગરિકો પાસેથી કડક રીતે કરાવવામાં આવે છે, અને ઉલ્લંંઘનના કિસ્સામાં દંડ અથવા ગાડી જપ્ત કરવાની કાર્યવાહી પણ થાય છે. જોકે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓ જ ખુદ આ નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે, જેનાથી લોકોમાં આશ્ચર્ય અને નારાજગી વ્યાપી છે.
ડેપ્યુટી કમિશ્નરની ગાડી પર જ નંબર પ્લેટ નથી
સ્થાનિક રોહિત પટેલના જણાવ્યા અનુસાર, ડેપ્યુટી કમિશ્નરની કાર નંબર પ્લેટ વગર અને કાળા કાચ સાથે રસ્તા પર ફરતી જોવા મળી છે. જે અધિકારીઓએ નાગરિકોને નિયમોનું પાલન કરવાની શિખામણ આપવી જોઈએ, તેઓ જ ખુદ નિયમો તોડી રહ્યા છે. આ બાબત નાગરિકો માટે નિરાશાજનક છે.
આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોની પાસેથી આ જ મુદ્દે દંડ વસુલવામાં આવી રહ્યો છે. મનપાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાહેરમાં જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. આ બેવડા માપદંડથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો અધિકારીઓ જ નિયમોનું પાલન ન કરે, તો નાગરિકો પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકાય?

