VIDEO: સુરેન્દ્રનગરમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ, લખતરમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ; કુંતલપુરમાં તળાવ ફાટતા SDRF રવાના
ગઈકાલે ગુજરાતને ઘમરોળ્યા બાદ આજે અમદાવાદના પાડોશી જિલ્લા સુરેન્દ્રનગરમાં મેઘરાજાની કૃપા વરસી રહી છે. સવારથી અત્યાર સુધીમાં ચાર કલાકના ગાળામાં અનેક તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના જ દૃશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે લખતરમાં તો બે કલાકમાં જ ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે અમદાવાદમાં પણ સવારથી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા ગઇકાલથી મનમૂકીને વરસી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જળાશયો છલકાતાં પરિસ્થિતિ વણસી છે. મૂળી તાલુકાના કુન્તલપુર ગામે પાણીનો પ્રવાહ અચાનક વધતાં તળાવ ફાટ્યું છે, જેના કારણે ગામ તરફ ઝડપથી પાણી વહેવા લાગ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગ્રામજનોએ તાત્કાલિક વહીવટી તંત્રનો સંપર્ક સાધ્યો હતો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને લોકોના બચાવ કાર્ય માટે તંત્ર દ્વારા SDRFની ટીમોને રવાના કરી દેવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનો નાયકા ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના છ ગેટ પાંચ ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારો માટે સાવચેતીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગૌતમગઢ, કુકડા, ગોદાવરી અને શેખપર સહિતના ગામોના ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સલામતી જાળવવા સૂચના આપવામાં આવી છે. સાથે જ માલ-મિલકત અને ઢોર-ઢાંખરને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે. ડેમમાંથી પાણી છોડાતા આસપાસના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત બન્યા છે. ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાનો આ બીજો ડેમ ઓવરફ્લો થયો છે.
ગુજરાતમાં ગઈકાલનો દિવસ એટલે કે 31 જુલાઈ 2026 ખૂબ જ ભારે વીત્યો. જેમાં રેડ એલર્ટની આગાહી વચ્ચે સૌથી વધુ વરસાદ સુરતના અંબિકામાં નોંધાયો હતો. જ્યાં શુક્રવાર સવારથી શરુ થઇને શનિવારની સવાર સુધીમાં 24.06 ઈંચ જેટલો મૂશળધાર વરસાદ નોંધાયો હતો. લગભગ 3 તાલુકા એવા હતા જ્યાં 16 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો જ્યારે 9 તાલુકા એવા હતા જ્યાં 10 ઈંચ કરતા વધુ વરસાદ તૂટી પડ્યો હતો. જોકે આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટની આગાહી છે. ત્યારે સવારના બે કલાકમાં જ મેઘરાજાએ ધોધમાર બેટિંગ શરૂ કરી દીધી છે. સૌથી વધુ વરસાદની વાત કરીએ તો સુરત, તાપી, ખેડા, નવસારી, ભરુચ, વલસાડ, ડાંગ, આણંદ, નર્મદા જિલ્લાઓમાં નોંધાયો હતો.

