Surendranagar: પાક નુકસાનના વળતરનું ફોર્મ ભરવા લાંબી કતારો, પોર્ટલના ધાંધિયાથી ખેડૂતોમાં રોષ
સુરેન્દ્રનગરમાં ખેડૂતોને પાક નુકસાનના વળતર પેકેજની સહાય મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં જ તાલુકા પંચાયત કચેરીઓ પર ખેડૂતોની લાંબી કતારો લાગી છે. જોકે, પ્રથમ દિવસની જેમ બીજા દિવસે પણ પોર્ટલના ધાંધિયા થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા નુકસાન વળતર પેકેજની સહાય મેળવવા માટે ફોર્મ ભરવાની સમય મર્યાદા માત્ર 15 દિવસની જ હોવાથી ખેડૂતોમાં ઉતાવળ જોવા મળી રહી છે. ખેડૂતો પોતાને જરૂરી દસ્તાવેજો જેવા કે વાવેતરનો દાખલો, બેન્ક પાસબુકની ઝેરોક્ષ અને સાત-બારની નકલ લઈને કચેરીઓ પર પહોંચ્યા હતા, પરંતુ પોર્ટલમાં આવી રહેલી ટેકનિકલ સમસ્યાઓના કારણે ફોર્મ ભરવાની પ્રક્રિયા ધીમી પડી હતી.
આજે પોર્ટલ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે તેવી આશા સાથે ખેડૂતો સવારથી જ કચેરીએ પહોંચ્યા છે, જેથી સમયસર ફોર્મ ભરીને તેઓ સહાય મેળવી શકે.

