VIDEO: સુરેન્દ્રનગરમાં લોકમેળાની પરવાનગી અટકી, નિયમોનું પાલન ન કરાતા લોકાર્પણના એક દિવસ અગાઉ તંત્રનો કડક નિર્ણય
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળાને લઈને છેલ્લી ઘડીએ પરવાનગીનો મુદ્દો ગરમાયો છે. આવતીકાલે સવારે મંત્રી દર્શના વાઘેલા સહિતના નેતાઓ દ્વારા મેળાનું લોકાર્પણ થવાનું છે, પરંતુ પૂરતા નિયમોનું પાલન ન થતાં હજુ સુધી મેળાને સત્તાવાર પરવાનગી આપવામાં આવી નથી.
મળતી માહિતી મુજબ, મેળાના આયોજનમાં જરૂરી નિયમો અને દસ્તાવેજો પૂર્ણ ન થયા હોવાના કારણે પોલીસ તેમજ વઢવાણ તંત્ર દ્વારા પણ પરવાનગી આપવામાં આવી નથી. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરી નિયમોનું સંપૂર્ણ પાલન કર્યા બાદ જ મેળાને પરવાનગી આપવામાં આવશે.
નિયમોનું પાલન ન કરાતા કડક નિર્ણય
મેળાના સ્થળે ફરજિયાત રીતે રાઈડના ભાવો દર્શાવવાના નિયમનું પણ પાલન થયું ન હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત મેળાના મેદાનમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહી છે. ઇલેક્ટ્રોનિક વાયરો પણ ખુલ્લી હાલતમાં જોવા મળતાં સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. લોકાર્પણને હવે માત્ર એક દિવસ બાકી હોવાથી પરવાનગી મેળવવા માટે મેળાના આયોજકો પણ તાબડતોબ કામગીરીમાં લાગી ગયા છે. હવે નિયમો અને સુરક્ષાના તમામ માપદંડો પૂર્ણ કર્યા બાદ જ તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવશે કે કેમ તેના પર સૌની નજર છે.

