Surendranagarની સરકારી હોસ્પિટલમાં સુવિધાઓના અભાવના કારણે આરોગ્યની પરિસ્થિતિ કથળી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે સરકાર દ્વારા મોટી હોસ્પિટલનું નિર્માણ તો કરી દેવાયું છે, પરંતુ આ હોસ્પિટલ માત્ર એક બિલ્ડિંગ બનીને રહી ગઈ છે. હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ અને પૂરતી સાધનસામગ્રી ન હોવાના કારણે સ્થાનિક દર્દીઓને સારવાર માટે હજારો રૂપિયાનો ખર્ચ કરીને દૂર સુરેન્દ્રનગર અને વિરમગામ જવા મજબૂર બનવું પડે છે.
હોસ્પિટલમાં ગાયનેક, ઓર્થોપેડિક જેવા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સુવિધાઓ જ નથી. હોસ્પિટલ બની હોવા છતાં જરૂરી સુવિધાઓનો આટલો મોટો અભાવ હોવાના કારણે સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત સ્થાનિક તંત્ર તેમજ ઉચ્ચ કક્ષાએ આ ખાલી જગ્યાઓ ભરવા માટે રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પરિસ્થિતિ યથાવત્ છે.
સ્થાનિકોની માંગ છે કે, સરકાર તાત્કાલિક ધોરણે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ભરતી કરે અને હોસ્પિટલમાં પૂરતી સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવે, જેથી લોકોને પાયાની આરોગ્ય સેવાઓ માટે દૂર-દૂર સુધી ભટકવું ન પડે.

