Surendranagar: સસ્તામાં સોનું ખરીદવું પડ્યું મોંઘું, મધ્યમવર્ગીય પરિવારોએ ગુમાવ્યા લાખો રૂપિયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ગણતરીના દિવસોમાં છેતરપિંડીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ચુડા તાલુકાના ચોકડી ગામે એક સસ્તાના નામે લોભામણી લાલચ આપીને મધ્યમ વર્ગના પરિવારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.
ખોટા દાગીના આપી રૂપિયા પડાવ્યા
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, ચોકડી ગામના એક પરિવારને સસ્તાના નામે લોભામણી સ્કીમમાં ફસાવવામાં આવ્યો હતો. આ પરિવારને લીંબડી ખાતે બોલાવીને આરોપીઓએ ખોટા સોનાના ઘરેણાં આપ્યા હતા અને તેના બદલામાં પરિવાર પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. આ છેતરપિંડી બાદ પરિવારને પોતે ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં તેમણે પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે.
'પોન્ઝી સ્કીમો'માં જિલ્લાવાસીઓના લાખો રૂપિયા
જિલ્લામાં ગણતરીના દિવસોમાં ચાર જેટલી છેતરપિંડીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના અનેક લોકો લોભામણી સ્કીમોમાં આવીને ભોગ બની રહ્યા છે, જેના કારણે જિલ્લાવાસીઓના લાખો રૂપિયા અલગ-અલગ પોન્ઝી સ્કીમોમાં ફસાયા છે.

