Surendranagar: ખારાઘોડામાં અંગત અદાવતમાં ફાયરિંગ, યુવકને ગોળી વાગતા હોસ્પિટલમાં ખસેડાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા વિસ્તારમાં ફાયરિંગની એક ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, અંગત અદાવતના કારણે સ્ટેશન વિસ્તારમાં બે જૂથો સામસામે આવી ગયા હતા, અને આ અથડામણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
યુવકને ગોળી વાગી
આ ફાયરિંગની ઘટનામાં એક યુવકને ગોળી વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
કાયદો-વ્યવસ્થા સામે સવાલ
સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા અને ફાયરિંગ જેવી ગંભીર ઘટનાઓમાં વધારો થતાં શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોવાના સવાલો ઊભા થયા છે. જાહેરમાં ફાયરિંગ થવાથી નાગરિકોની સુરક્ષા સામે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ખારાઘોડા ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને ફાયરિંગ કરનારા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

