Surendranagar: ઘુડખરના ત્રાસથી પરેશાન ખેડૂતો, રામધૂન કરી તંત્રને જગાડશે, કલેક્ટર કચેરીના ઘેરાવની પણ ચીમકી
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ઘુડખરના ત્રાસથી પરેશાન છે. વણા, ધણાદ, પેઢડા, અંકેવાળીયા, ગજેડા અને ડુમાણા સહિત જિલ્લાના સાત ગામોના ખેડૂતોએ આ મુદ્દે તંત્ર સામે મોરચો ખોલ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી ધારાસભ્યો અને જિલ્લા વહીવટી અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતાં, ખેડૂતોએ હવે ગામડે-ગામડે રાત્રી સભાઓ અને રામધૂનનું આયોજન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ ઉપરાંત, ગુરુવારે ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી આપવામાં આવી છે.
ઘુડખરનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાક ગામોમાં ઘુડખરનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે. ઘુડખર ખેડૂતોના ખેતરોમાં ઘૂસીને ઉભા પાકોને નુકસાન પહોચાડી રહ્યાં છે. જેને પરિણામે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેતરમાં ઉભા પાકને ઘુડખરો ખાઈ જાય છે અથવા તેમના પગ નીચે કચડી નાખે છે.
ગામડે-ગામડે રાત્રી સભાઓ અને રામધુનનું આયોજન
ખેડૂતોએ તેમની વેદના વ્યક્ત કરવા અને તંત્રનું ધ્યાન ખેંચવા માટે ગામડે-ગામડે રાત્રી સભાઓ અને રામધૂનનું આયોજન કર્યું છે. આ રીતે તેઓ તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સભાઓમાં મોટી સંખ્યામાં ખેડૂતો, ગામના આગેવાનો અને યુવાનો ભાગ લઈ રહ્યા છે.
તંત્રની નિષ્ક્રિયતા પર ખેડૂતોનો આક્રોશ
ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી તેઓએ ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર અને વન વિભાગના અધિકારીઓને અસંખ્ય રજૂઆતો કરી છે, પરંતુ ઘુડખરની વ્યવસ્થા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ખેડૂતોનું કહેવું છે કે સરકાર એક તરફ ઘુડખર અભ્યારણ્યની જાળવણી અને સંરક્ષણ માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે, પરંતુ બીજી તરફ ઘુડખર ખેડૂતોના ખેતરોમાં ઘૂસીને નુકસાન કરી રહ્યાં છે. ખેતરમાં નુકસાન કરતા ઘુડખરોને રોકવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
કલેક્ટર કચેરીના ઘેરાવની તૈયારી
આ પાક નુકસાનીથી ખેડૂતોની સહનશક્તિ હવે ખૂટી રહી છે, અને તેઓએ ગુરુવારે સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાનો નિર્ણય લીધો છે. આ આંદોલનમાં વણા, ધણાદ, પેઢડા, અંકેવાળીયા, ગજેડા અને ડુમાણા ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ભાગ લેશે. તેઓની મુખ્ય માગ છે કે ઘુડખરોને ખેતરોમાં ઘૂસતા અટકાવવા માટે વન વિભાગ અને જિલ્લા વહીવટ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે.

