Surendranagar news: મીની વાવાઝોડાથી અગરિયાઓને થયેલા નુકસાનનો યોગ્ય રીતે સર્વે કરવા માગ

રાજ્યમાં મીની વાવાઝોડાને પગલે અગરિયા સહિત ખેડૂતોને મોટું નુકસાન થયું છે. અગરિયાઓએ તંત્ર યોગ્ય રીતે સર્વે કરતું ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, જે બાદ અગરિયા હિત રક્ષક મંચની અધ્યક્ષતામાં દસાડાના રણ મધ્યે અગરિયાઓનું સંમેલન યોજાયું હતું અને યોગ્ય સર્વે કરી સહાયની માંગ કરવામાં આવી હતી.
ઓફિશિયલ સર્વે ન થયા હોવાના ગંભીર આરોપો
સુરેન્દ્રનગરમાં દસાડાના રણ મધ્યે અગરિયાઓનું સંમેલન યોજાયું હતું. જેમાં તંત્ર સામે ઓફિશિયલ સર્વે ન થયા હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. ગેરકાયદેસર રીતે અને આદેશ વિના અગરિયા તથા નેતાઓને રાજી રાખવા સર્વે કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. અગરિયા હિત રક્ષક મંચની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વાવાઝોડાએ રણ વિસ્તારમાં વિનાશ વેર્યો હોવાને કારણે સહાયની માંગ ઉઠાવવામાં આવી હતી. અગરિયા દીઠ અંદાજે 2 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાની રજૂઆત કરી પરિપત્ર જાહેર કરીને યોગ્ય સર્વે કરવાની માંગ કરવામાં આવી છે.

