VIDEO: Surendranagar પોલીસે યોજ્યો અરજી મેળો, વ્યાજખોરો વિરુદ્ધ 100થી વધુ રજૂઆતો સાંભળી કડક કાર્યવાહીના આપ્યા આદેશ
વ્યાજખોરોનો આતંક અને મજબૂર લોકોનું શોષણ અટકાવવા માટે સુરેન્દ્રનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરાવવા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ 'અરજી મેળો' યોજવામાં આવ્યો હતો. જેમાં ASP સહિતના ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ હાજર રહીને પીડિતોની વેદના સાંભળી હતી.
શહેરમાં યોજાયેલા આ લોકદરબાર સમાન મેળામાં 100થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા લોકોએ પોતાની આપવીતી વર્ણવી હતી. પોલીસ અધિકારીઓએ તાત્કાલિક અસરથી વ્યાજખોરો વિરુદ્ધ અરજીઓ સ્વીકારીને કાયદેસરની કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ અરજી મેળાની સૌથી મોટી વિશેષતા એ હતી કે પોલીસે માત્ર ગુના જ નથી નોંધ્યા, પણ ભોગ બનનાર વ્યક્તિ ફરી વ્યાજખોરો પાસે ન જાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી છે. પોલીસ વિભાગે વિવિધ બેંકો સાથે સંકલન સાધ્યું હતું. કાર્યક્રમમાં તમામ મુખ્ય બેંકોના મેનેજર અને સ્ટાફ હાજર રહ્યો હતો. વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત થયેલા લોકોને ધંધા-રોજગાર કે જરૂરિયાત માટે બેંકમાંથી સરળતાથી લોન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

