VIDEO: લીમડી-ચોટીલા હાઈવે પરથી 31 હજાર દારૂની બોટલો ભરેલું કન્ટેનર ઝડપાયું, 1.26 કરોડના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ
સુરેન્દ્રનગરના લીમડી-ચોટીલા નેશનલ હાઈવે પર રાસકા બોડીયા પુલ નજીક LCB ટીમે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે LCB દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકી તેની તલાશી લેતા કન્ટેનરમાંથી અલગ-અલગ બ્રાન્ડની 31,452 ઈંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી.
1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત
LCBની કાર્યવાહીમાં અંદાજે રૂ. 1 કરોડનો દારૂ તેમજ ટ્રક સહિત કુલ રૂ. 1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલક જુન્જારામ ગોદારા, રહે. બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રક માલિક, નાશિકથી દારૂનો જથ્થો મોકલનાર રમેશકુમાર તેમજ જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
LCBની આ મોટી કાર્યવાહી બાદ હાઈવે પર દારૂની હેરાફેરીને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે આટલો મોટો દારૂનો જથ્થો ગુજરાતમાં કોના સુધી પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

