Surendranagar: જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સામે ACBમાં ફરિયાદ, તપાસનો ધમધમાટ શરૂ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના દરોડા બાદ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહીલ વિરુદ્ધ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે આ કેસની તપાસ રાજકોટ ACBના DySP કક્ષાના અધિકારીઓ કરશે.
શું છે સમગ્ર મામલો?
સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટાચાર અને બેનામી સંપત્તિ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી લાખોની રોકડ રકમ મળી આવતા વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે. ED ના દરોડા દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના રહેણાક મકાનમાંથી 60 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આટલી મોટી રકમનો હિસાબ ન આપી શકતા ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં માત્ર નાયબ મામલતદાર જ નહીં, પરંતુ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવ્યા હતા.

