Surendranagar/ Chotilaમાં મેગા ડિમોલેશન માટે તંત્રનો માર્ગ મોકળો, હાઈકોર્ટે તમામ પીટીશન ફગાવી

સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ડુંગર તળેટી વિસ્તારમાં ચાલી રહેલી દબાણ હટાવવાની ઝુંબેશમાં તંત્રને મોટી કાનૂની સફળતા મળી છે. હાઈકોર્ટમાં વિવિધ દબાણકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ 17 પીટીશનો ડિસ્પોઝ (રદ) કરી દેવામાં આવતા હવે બાકી રહેલા દબાણો પર પણ જેસીબી ફરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
શું હતો હાઈકોર્ટનો મામલો?
ચોટીલા ડુંગર તળેટી વિસ્તારમાં તંત્ર દ્વારા શરૂ કરાયેલા મેગા ડિમોલેશન સામે કુલ 39 દબાણકર્તાઓ દ્વારા અલગ-અલગ સમયે નામદાર હાઈકોર્ટમાં કુલ 17 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન (પીટીશન) દાખલ કરવામાં આવી હતી. દબાણકર્તાઓની આશા હતી કે તેમને કોર્ટ તરફથી સ્ટે અથવા કોઈ રાહત મળશે. જોકે, હાઈકોર્ટમાં કેસ ચાલતા કોર્ટે કોઈ પણ દબાણકર્તાને રાહત આપી નથી અને તમામ અરજીઓ નિકાલ કરી દીધી છે.
શા માટે જરૂરી છે આ ડિમોલેશન?
તંત્ર દ્વારા જારી કરાયેલ પ્રેસ બ્રિફ મુજબ, ચોટીલા ડુંગર તળેટી ખાતે 400થી વધુ દબાણકર્તાઓએ 40 ફૂટ પહોળાઈના રસ્તા પર દબાણ કરીને તેને માત્ર 20 ફૂટનો કરી નાખ્યો હતો. જેના પરિણામે દર્શનાર્થે આવતા લાખો ભક્તોને ટ્રાફિક અને અવરજવરમાં ભારે અગવડતા પડતી હતી. કેટલાક માથાભારે તત્વો ગેરકાયદેસર દબાણ કરી ભાડા ઉઘરાવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. તળેટી વિસ્તારમાં અવારનવાર સર્જાતા ટ્રાફિક જામના નિરાકરણ માટે રસ્તો ખુલ્લો કરવો અનિવાર્ય હતો.
તંત્રની અત્યાર સુધીની કામગીરી
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને ચોટીલા મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા તારીખ 11/01/2026 થી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોટાભાગની કામગીરી પૂર્ણતાના આરે છે અને હવે જે થોડા ઘણા દબાણો કોર્ટ કેસને કારણે બાકી હતા, તેનો માર્ગ પણ હવે મોકળો થઈ ગયો છે.
રોજગારીનો પ્રશ્ન અને સરકારની વિચારણા
ચોટીલા પંથકમાં મોટા ઉદ્યોગોનો અભાવ હોવાથી સ્થાનિક લોકોની રોજગારી મુખ્યત્વે હાઈવે હોટલ, ગેસ્ટ હાઉસ અને યાત્રિકો પર નિર્ભર છે. ડિમોલેશન બાદ યાત્રાધામનો વિકાસ તો થશે જ, પરંતુ સાથે સાથે જે લોકોની રોજગારી છીનવાઈ છે તેમના માટે પણ સરકારે કોઈ વૈકલ્પિક વિચારણા કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે.
હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરનાર મુખ્ય નામ (કુલ ૩૯ પૈકી):
ભાવનાબેન બાંભણિયા, રિમાબેન બાંભણિયા, જયશ્રીબેન બાંભણિયા, જમનાબેન બાંભણિયા, મુન્નાભાઈ શિયાળિયા, દેવકુભાઈ શિયાળિયા, ગોવિંદભાઈ શિયાળિયા અને અન્ય.
પીટીશનની વિગતો:
સ્પે. સિવિલ એપ્લિકેશન નંબર 644/2026 થી લઈને 692/2026 સુધીની તમામ 17 અરજીઓનો હાઈકોર્ટે નિકાલ કર્યો છે.
હાઈકોર્ટના આ વલણ બાદ હવે ચોટીલા તળેટી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં વધારો થશે. તંત્ર હવે ટૂંક સમયમાં બાકી રહેલા ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરશે તેવું અનુમાન છે.

