80 ચેક બાઉન્સ કેસ: Surendranagar માં ખાદ્ય તેલના ઓર્ડરમાં છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી રિમાન્ડ પર
સુરેન્દ્રનગરમાં એક મિલ માલિક સાથે ₹2.49 કરોડની જંગી રકમની છેતરપિંડી કરવાના મામલે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. ખાદ્ય તેલના ઓર્ડરના બહાને આચરવામાં આવેલી આ છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી રજનીકાંત પટેલની અટકાયત કરવામાં આવી છે અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરાતાં 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, મહેસાણાના ત્રણ ઇસમોએ સુરેન્દ્રનગરના મિલ માલિક પાસેથી ખાદ્ય તેલના 12,000 ડબ્બાનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ ઓર્ડર લીધા બાદ તેમણે નક્કી કરેલા નાણાં ચૂકવ્યા નહોતા. અને આરીતે કુલ ₹2.49 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. આરોપીઓએ મિલ માલિકને કુલ 80 જેટલા ચેક આપ્યા હતા, જે તમામ બાઉન્સ થયા હતા.
પોલીસે રિમાન્ડ શા માટે માંગ્યા?
છેતરપિંડીનો ભોગ બનેલા મિલ માલિકની ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી રજનીકાંત પટેલની અટકાયત કરી હતી. DYSP પાર્થ પરમાર (સુરેન્દ્રનગર) દ્વારા જણાવ્યા અનુસાર, પોલીસે આરોપીના રિમાન્ડ માટેની માંગણી કરી હતી, જેનો મુખ્ય હેતુ છેતરપિંડી કરાયેલી રકમ ક્યાં રોકવામાં આવી છે અથવા ક્યાં છુપાવવામાં આવી છે તેની તપાસ કરવી અને નાણાં રિકવર કરવા. આ આરોપીઓએ અન્ય કોઈ વેપારી કે વ્યક્તિ સાથે આવી છેતરપિંડી કરી છે કે કેમ, તે જાણવા માટે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવી.
કોર્ટે આ કારણો ધ્યાને લઈ આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, અને પોલીસે આ મામલે કડક પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને અન્ય આરોપીઓની સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

