Surat/ હજીરા વિસ્તારમાં કરંટ લાગતાં યુવકનું મોત, પરિવારનો કંપની પર બેદરકારીનો આક્ષેપ
સુરતના હજીરા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં એક કરૂણ અકસ્માતમાં 22 વર્ષીય યુવકનું કરંટ લાગતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને પરિવારજનો દ્વારા કંપની અને કોન્ટ્રાક્ટર સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, હજીરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત KRIBHCO કંપનીમાં ઈલેક્ટ્રિક વિભાગમાં કામ કરતા અક્ષ દીપકભાઈ પટેલ નામના યુવકને ગઈકાલે(11 ફેબ્રુઆરી ) બપોરે કામ દરમિયાન વીજ કરંટ લાગ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પરિવારજનોનો આક્ષેપ છે કે અકસ્માત સમયે સુરક્ષા વ્યવસ્થાનો અભાવ હતો. અક્ષ લગભગ 30 થી 40 ફૂટની ઊંચાઈએ કામ કરી રહ્યો હતો, છતાં તેની પાસે સેફ્ટી હાર્નેસ (સેફ્ટી બેલ્ટ) જેવી જરૂરી સુરક્ષા સુવિધા ઉપલબ્ધ નહોતી. વધુમાં, પાવર સપ્લાય બંધ કર્યા વગર જ તેને કામ સોંપવામાં આવ્યું હોવાનું પણ પરિવાર દ્વારા જણાવાયું છે.
પરિવારજનોનું કહેવું છે કે ઘટના બાદ લગભગ ચાર કલાક સુધી કંપની તરફથી કોઈ જવાબદાર અધિકારી હોસ્પિટલ પહોંચ્યો નહોતો, જેને કારણે તેમના આક્રોશમાં વધારો થયો છે. અક્ષ પોતાના પરિવારનો મુખ્ય આધાર હતો અને તેના પરિવારમાં માતા-પિતા તથા એક નાની બહેન છે.
અક્ષના મામા મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કંપની અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે તેવી તેમની માંગ છે.
હાલમાં સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના ચોક્કસ કારણો અને સુરક્ષા નિયમોના પાલન અંગે તપાસ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

