Surat news: કડોદરામાં પાણી માટે ત્રાહિમામ! હરિધામ સોસાયટીની મહિલાઓએ પાલિકા કચેરીએ માટલાં ફોડી વ્યક્ત કર્યો રોષ

Surat news: સુરત જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા કડોદરા નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી ટીપા-ટીપા પાણી માટે વલખાં મારી રહેલા હરિધામ સોસાયટીના રહીશોની ધીરજ આજે ખૂટી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ અને રહીશોએ નગરપાલિકા કચેરીએ પહોંચી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને 'માટલા ફોડ' કાર્યક્રમ યોજી તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં
હરિધામ સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે સોસાયટીમાં પીવાનું પાણી પૂરતા પ્રેશરથી આવતું નથી. આ બાબતે સ્થાનિક વોર્ડ સભ્યો અને પાલિકાના અધિકારીઓને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી. સોસાયટી માટે બનાવવામાં આવેલા બોરિંગ વારંવાર ટેકનિકલ ખામીના કારણે બંધ થઈ જાય છે, જેને લીધે શ્રમજીવી પરિવારોની હાલત કફોળી બની છે.
ટેન્કર પ્રથા સામે વિરોધ
પાલિકાએ હાલમાં ઘર્ષણ ટાળવા માટે તાત્કાલિક ધોરણે ટેન્કરો દ્વારા પાણીની વ્યવસ્થા શરૂ કરી છે. પરંતુ, રહીશોની સ્પષ્ટ માંગ છે કે તેમને ટેન્કર પ્રથાના ભરોસે રાખવાને બદલે નળ દ્વારા નિયમિત અને પૂરતું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે. ટેન્કરોના કારણે મહિલાઓને પાણી ભરવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, જે તેમની મુશ્કેલીમાં વધારો કરે છે.
તંત્રની સ્પષ્ટતા અને સરવે
બીજી તરફ, કડોદરા પાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે વિસ્તારમાં ભૂગર્ભ જળના સ્તર નીચે જઈ રહ્યા છે, જેની પાછળ ઔદ્યોગિક એકમોનો વધુ પડતો વપરાશ પણ જવાબદાર હોઈ શકે છે. હાલમાં ટેકનિકલ સરવે શરૂ કરવામાં આવ્યો છે અને નવા બોરિંગ અથવા વૈકલ્પિક વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

