Video/ Surat ના ઝીંગા માફિયામાં ફફડાટ, ગેરકાયદે તળાવોનો ડ્રોન મારફતે સર્વે
સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા કેડિયા ટાપુ પર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. સુરત એસ.ઓ.જી. (SOG) દ્વારા તાજેતરમાં ડીઝલ ચોરીનું રેકેટ ઝડપી પાડ્યા બાદ, હવે આ ટાપુ પર ધમધમતા ગેરકાયદેસર ઝીંગા તળાવોનો મામલો ગરમાયો છે. સુરત જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે.
100 થી વધુ ગેરકાયદે તળાવોની આશંકા
મળતી વિગતો મુજબ, ડુમસના દરિયા કિનારે આવેલા કેડિયા ટાપુ પર સરકારી જમીનો પર કબજો કરી 100 થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવો બનાવી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી. આ ઝીંગા માફિયાઓ કોઈપણ પરવાનગી વગર મોટા પાયે આ વ્યવસાય કરી રહ્યા હોવાની રાવ બાદ કલેક્ટરે કડક વલણ અપનાવ્યું છે.
ડ્રોન મારફતે સર્વે અને તપાસ
આ ટાપુ પર પહોંચવું મુશ્કેલ હોવાથી તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. સમગ્ર ટાપુ પર કેટલા ગેરકાયદે તળાવો છે અને કેટલી જમીન પચાવી પાડવામાં આવી છે, તેનો સચોટ આંકડો મેળવવા માટે ડ્રોન મારફતે સર્વે કરવામાં આવી રહ્યો છે. કલેક્ટરે આ મામલે મજુરા મામલતદારને રૂબરૂ તપાસ સોંપી છે અને વહેલી તકે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.
ઝીંગા તળાવો પર તવાઈ આવતા માફિયાઓમાં ભારે ફફડાટ મચી ગયો છે.

