Video/ કડકડતી ઠંડીમાં પ્રાણીઓની ચિંતા: Suratના સરથાણા નેચર પાર્કમાં વન્ય જીવો માટે તાપણાની વ્યવસ્થા
સુરત શહેરમાં હવે ઠંડીનો ચમકારો ખૂબ જ વધી ગયો છે. આ કડકડતી ઠંડીની અસર માત્ર માનવીઓ પર જ નહીં, પણ પ્રાણીઓ પર પણ જોવા મળી રહી છે. શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતા, સુરતના સરથાણા નેચર પાર્ક (Sarthana Nature Park) દ્વારા પાર્કના પ્રાણીઓની સુરક્ષા અને કાળજી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
હીટર અને તાપણાની સુવિધા
પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે નેચર પાર્ક તંત્ર દ્વારા સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી, જુદા જુદા પ્રાણીઓના રહેઠાણ નજીક ગરમી પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. નેચર પાર્ક ખાતેના વાઘના પાંજરાની નજીક ખાસ ગરમ હીટર મૂકવામાં આવ્યું છે. જેથી વાઘને આ ઠંડીમાં પૂરતી હૂંફ અને ગરમી મળી રહે.
વાઘ ઉપરાંત અન્ય પ્રાણીઓ માટે પણ ઠંડીથી બચાવવાના પગલાં લેવાયા છે. તેમના પાંજરાની આસપાસ લાકડાં સળગાવીને તાપણાં કરવામાં આવી રહ્યા છે, જેથી તેમને પણ ગરમી મળી રહે અને તેઓ આકરી ઠંડીનો સામનો કરી શકે.
પ્રાણીઓની વિશેષ કાળજી
નેચર પાર્ક દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઠંડીની આ ઋતુમાં પ્રાણીઓની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. તેમના આહાર, સ્વાસ્થ્ય અને રહેઠાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી તેઓ ઠંડીને કારણે કોઈ બીમારીનો ભોગ ન બને.

