સુરતમાં વધતો નબીરાઓના અકસ્માતનો આતંક, થારથી 3 વાહનોને ટક્કર મારી બાળકી સહિતને બેને કર્યા ઈજાગ્રસ્ત

સુરતમાં નબીરાઓ દ્વારા થતા અકસ્માતનો આતંક સતત વધી રહ્યો છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા ચાર રસ્તા ખાતે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. વધુ એક નબીરા દ્વારા થાર કારને પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો. કારમાં લાઉડ મ્યુઝિક અને ડાન્સ કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન ત્રણ જેટલા વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો અને ફરાર થઈ ગયા હતા. અકસ્માતમાં એક બાળકી સહિત બેને ઇજા પહોંચી છે.
ડાન્સ કરતાં કરતાં ઉડાવ્યા
મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા ચાર રસ્તા ખાતે એક નબીરો થાર કાર લઈને પૂરપાટ ઝડપે નીકળ્યો હતો. Gj 14 એટલે કે, અમરેલી પાર્સિંગની આ થાર કારમાં ત્રણ જેટલા ઈસમો સવાર હતા. કારમાં લાઉડ મ્યુઝિક ચાલી રહ્યું હતું અને પાછળ બેસેલો ઈસમ કારમાં જ ડાન્સ કરી રહ્યો હતો. દરમિયાન કારની અડફેટે એક મોપેડ આવ્યું હતું. જેના પર સવાર એક મહિલા અને તેની સાથે રહેલી બાળકી નીચે પડી ગયા હતા. અકસ્માતના પગલે થારનો ચાલક ભાગવાનો પ્રયાસ કરતા અન્ય બે જેટલી બાઇકને પણ અડફેટે લીધી હતી. જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી દ્વારા કારનો વીડિયો અને ફોટો બનાવવાનો પ્રયાસ કરવામાં આવતા તેને પણ કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો.
અકસ્માતનો આતંક
થાર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસ લોકો દોડી આવ્યા હતા. બાળકી સહિત બંનેને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગેની જાણ થતા ઉત્રાણ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, આઉટર રીંગ રોડ પર આવેલા વાલકબ્રિજ પર નબીરા કીર્તન ડાખરા દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતમાં બે સગા ભાઈનો ભોગ લેવાયો હતો. ત્યારે સુરતમાં વધુ એક નબીરાનો રફતારનો આતંક જોવા મળ્યો છે. હાલ તો આ અકસ્માતનો ભોગ બનેલા દ્વારા ઉત્રાણ પોલીસ ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ થાર કારના નંબર GJ14BD7692 આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

