VIDEO: સુરત: માંડવીના ગોડધા ચેકડેમની દિવાલ તૂટી, ખેડૂતોની જીવાદોરી પર ફરી વળ્યું પાણી!
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આદિવાસી ખેડૂતો માટે જીવાદોરી સમાન 'ગોડધા વડ ઉદવાહન સિંચાઈ યોજના' પર મોટો ફટકો પડ્યો છે. વરેહ નદી પર બનાવવામાં આવેલા ગોડધા ચેકડેમની પાણી રોકવા માટેની મુખ્ય દીવાલ અચાનક ધડાકાભેર તૂટી પડતાં ડેમમાં સંગ્રહિત કરોડો લીટર પાણી વહી ગયું છે. ડેમની દીવાલ ધરાશાયી થવાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જોતજોતામાં ડેમ ખાલીખમ થઈ ગયો હતો. ખેતી માટે પાણી પહોંચાડતી મુખ્ય રચના જ ક્ષતિગ્રસ્ત થઈ જતાં સ્થાનિક આદિવાસી ખેડૂતો ભારે ચિંતા અને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ખેડૂતો માટે 'આશીર્વાદ' સમાન યોજના ભાંગી પડી
ગોડધા વડ ઉદવાહન સિંચાઈ યોજના આસપાસના અનેક ગામોના આદિવાસી ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાતી હતી. વરેહ નદીના સંગ્રહિત પાણીથી આ વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરોમાં સિંચાઈ કરતા હતા. પરંતુ મુખ્ય દીવાલ તૂટી જવાથી સંગ્રહિત થયેલું તમામ પાણી વહી જતાં ડેમ ખાલી થઈ ગયો છે. સિંચાઈ વગર ખેતી નિષ્ફળ જવાની દહેશતથી ખેડૂતો પર આર્થિક બોજ વધવાની શક્યતા છે.
તંત્ર સામે ઉઠ્યા સવાલો
ચેકડેમની મુખ્ય દીવાલ અચાનક તૂટી પડવાના કારણે બાંધકામની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, તૂટેલી દીવાલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે જેથી ભવિષ્યમાં પાણીનો સંગ્રહ ફરી કરી શકાય. આ ઘટના માટે જવાબદાર કામગીરી અને બાંધકામની તટસ્થ તપાસ થાય.

