Surat / શેરબજારમાં 15 લાખ ડૂબતાં યુવકનું અપહરણ કરી ખંડણી માંગી; પોલીસે મહારાષ્ટ્રથી 3 આરોપી ઝડપ્યા

સુરતના અડાજણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં શેર માર્કેટમાં 15 લાખ રૂપિયા ડૂબી જવાની અદાવતમાં એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અડાજણના એલ.પી. સવાણી રોડ પરથી બ્લેક કલરની ફોર વ્હીલ કારમાં યુવકનું અપહરણ કરી આરોપીઓ દ્વારા 30 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ગંભીર ઘટનાને પગલે પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.
200થી વધુ CCTV કેમેરાની મદદથી ટેક્નિકલ તપાસ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અડાજણ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તરત જ હરકતમાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારોના 200થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચકાસીને અપહરણકર્તાઓનું ચોક્કસ લોકેશન ટ્રેસ કર્યું હતું. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની સચોટ માહિતીના આધારે ગુજરાત પોલીસે મહારાષ્ટ્ર સરહદ તરફ કડક વોચ ગોઠવી હતી.સિટી ગાઇડ જુઓ
મહારાષ્ટ્રના સુપા ગામ પાસેથી આરોપીઓ પકડાયા
મહારાષ્ટ્રના પુણા-અહલ્યાનગર હાઇવે પર આવેલા સુપા ગામ પાસેથી અડાજણ પોલીસે સફળ ઓપરેશન પાર પાડીને અપહૃત યુવકને હેમખેમ મુક્ત કરાવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા મહારાષ્ટ્રના પુણે શહેરના રહેવાસી રવિરાજ પાટીલ, અમોલ ખરમાળે અને મયુર શિંદે નામના 3 ગુનેગારોની અટકાયત કરવામાં આવી છે. અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી મહારાષ્ટ્ર પાસિંગની બ્લેક કલરની ફોર વ્હીલ કાર પણ પોલીસે જપ્ત કરી છે.
પોલીસની સરાહનીય કામગીરી અને ગુનો નોંધાયો
સુરત પોલીસે સમયસૂચકતા અને આક્રમક અભિગમ દાખવીને અપહરણ થયેલા યુવકને સહી-સલામત ઉગારીને પરિવારજનોને સુપ્રત કર્યો છે, જે બદલ પોલીસની કામગીરીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો હેઠળ અડાજણ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ખંડણીનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.

