સુરતના મોટા વરાછામાં હુમલો, દુકાનદારને માર મારી આપી જાનથી મારી નાખવાની ધમકી

સુરતના મોટા વરાછામાં મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં સોફાની દુકાન ચલાવનારા વેપારીને માર મારવામાં આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. વેપારીએ આક્ષેપ સાથે કહ્યું કે, મુસ્લિમ યુવકે રોષ રાખીને માર મારવાની સાથે જીવથી મારી નાખવાની ધમકી આપી છે.
પોલીસ ફરિયાદ ન કરવા ધમકી
મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુદામા ચોક ખાતેના એસ્કોન રેસિડેન્સીમાં ફરિયાદી પ્રફુલ્લકુમાર પ્રવિણભાઈ મહેતા સોફાની દુકાન ચલાવે છે. તેની સામે જ ઈસ્તીકાર નામનો યુવક પણ વ્યવસાય કરે છે. તેણે રાત્રિના સાડા આઠ વાગ્યા આસપાસ આવીને ડાબા હાથમાં સીમેન્ટનો બ્લોક મારી કાંડાના ભાગે ફ્રેક્ચર નીપજાવ્યું હતું. તથા મોં પર ઢીક્કામુક્કીનો માર મારી દાંતના ભાગે ઈજા કરી હતી. સાથે જ આ અંગેની પોલીસમાં ફરિયાદ કરી તો તને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. હાલ પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અચાનક હુમલો કર્યો
સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પ્રફુલ્લકુમારે મહેતાએ કહ્યું કે, મુસ્લિમ યુવક ખરાબ કામ કરે છે. પરંતુ મારી સાથે અચાનક જ બોલાચાલી પર ઉતરી આવ્યો હતો. મને કંઈ સમજાય તે અગાઉ જ માર માર્યો હતો. જાનથી મારી નાખવાની તથા ધંધો નહી કરવા દઈને હેરાન કરવા સહિતની ધમકી આપી હતી. મેં આ અંગે પોલીસને ફરિયાદ કરી છે. મને કાયદા વ્યવસ્થા પર પૂરો ભરોસો છે તે યોગ્ય તપાસ કરીને ન્યાય અપાવશે.

