Surat : ટ્રેન ઊથલાવવાનો ગંભીર પ્રયાસ, ડિંડોલી નજીક ગુડ્સ ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકાઈ

સોર્સ : gstv
સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ગંભીર અને ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જેમાં લોખંડની ચેનલ મૂકીને ગુડ્સ ટ્રેન ઊથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બનાવની વિગતો મુજબ, કોઈ અજાણ્યા ઈસમે રેલવેના પાટા પર ઇરાદાપૂર્વક લોખંડની જાડી ચેનલ મૂકી દીધી હતી. સદ્ભાગ્યે, જે સમયે આ ઘટના બની તે સમયે ટ્રેનની ગતિ ખૂબ ધીમી હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
ટ્રેન નીચે ચેનલનો પાટો ફસાઈ જતાં ટ્રેનના પાઇલટને તરત જ ખ્યાલ આવી ગયો હતો. પાઇલટે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી.
માહિતી મળતા જ ડિંડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ કૃત્ય કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેન ઊથલાવવાના આ પ્રયાસ પાછળનો હેતુ શું હતો અને કોનો હાથ છે તે જાણવા માટે પોલીસે સઘન કાર્યવાહી શરૂ કરી છે.

