Suratમાં ગ્રાન્ટેડ શાળાની માન્યતા થઈ રદ, અપૂરતી સુવિધાઓના કારણે જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક કાર્યવાહી કરી
સુરત શહેરના ભેસાણ રોડ પર આવેલી એક સુવિધા વિહોણી ગ્રાન્ટેડ શાળા પર જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક કાર્યવાહી કરી છે. શાળામાં અપૂરતી સુવિધાઓ અને અન્ય ગેરરીતિઓના કારણે પ્રેમભારતી સાકેત હિન્દી વિદ્યાલયની માન્યતા રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ આ શાળામાં સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. તેમની તપાસ દરમિયાન શાળાની સ્થિતિ અત્યંત દયનીય અને ગંભીર જોવા મળી હતી. શાળાનું મકાન એકદમ જર્જરિત અને ખંડેર હાલતમાં જોવા મળ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા હતા. વિદ્યાર્થીઓ માટે ટોયલેટ-બાથરૂમ જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ હતો. આ ઉપરાંત, પંખા, પીવાનું પાણી સહિતની અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નહોતી. શાળાના મોટાભાગના બારી અને દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા.
DEOની તપાસમાં એ પણ સામે આવ્યું કે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવા છતાં ખોટી રીતે વધારે સંખ્યા દર્શાવીને શાળા ચલાવવામાં આવતી હતી. શાળાને અગાઉ પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સુવિધાઓના અભાવ અને ગેરરીતિઓ બદલ નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં શાળાના સંચાલકો દ્વારા કોઈ સુધારો કરવામાં આવ્યો ન હતો. DEOએ સ્થળ તપાસ અને ગંભીર બેદરકારીની ખાતરી કર્યા બાદ તુરંત જ શાળાની માન્યતા રદ કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી સુવિધા વગરના શિક્ષણધામો માટે એક કડક દાખલો બેસાડશે.

