સુરતમાં વરસાદનો કહેર! દેલાડવામાં 12 કલાકથી લોકો ઘરમાં કેદ, એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે નહીં

સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી જળબંબાકારની સ્થિતિથી જનજીવન ખોરવાયું છે. જેમાં સુરતમાં ભારે વરસાદના કારણે ડિંડોલી વિસ્તારમાં આવેલું દેલાડવા જળમગ્ન બન્યું છે. જેમાં 12 કલાકથી વરસાદી પાણી ન ઓસરતા દેલાડવાની અનેક સોસાયટીઓના રહીશો પોતાના જ ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે. અતિભારે વરસાદના કારણે પાણી ભરાયેલા છે. જેના લીધે મેડિકલ ઈમરજન્સીમાં પણ વાહન પહોંચી શકે તેવી સ્થિતિ નથી.
સુરતનું દેલાડવા જળમગ્ન, 12 કલાકથી લોકો ઘરમાં કેદ
સુરતના દેલાડવામાં ધોધમાર વરસાદના કારણે અનેક સોસાયટીમાંથી પાણી ભરાયા છે. જેમાં ખાસ કરીને 'શિવ શક્તિ વિલા' અને તેની આસપાસની તમામ સોસાયટીઓમાં ચારેતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સ્થાનિકોની આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં ગામના સરપંચનો કોઈ જ અતોપતો નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મેડિકલ ઈમરજન્સીમાં પણ વાહન પહોંચી શકે તેવી સ્થિતિ નથી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાલમાં જમીની સ્થિતિ એટલી ગંભીર છે કે જો કોઈ વ્યક્તિને અચાનક મેડિકલ ઈમરજન્સી આવે અથવા તાત્કાલિક સારવારની જરૂર પડે, તો કોઈ વાહન કે એમ્બ્યુલન્સ પણ સોસાયટીમાં પ્રવેશી શકે તેમ નથી. 12 કલાકથી ઘરમાં ફસાયેલા લોકો સ્થાનિક નેતાગીરીની બેદરકારી વચ્ચે ભગવાન ભરોસે સમય વિતાવી રહ્યા છે.

