VIDEO: રેલ્વે તંત્રે કરી મોટી જાહેરાત, સુરતથી ઉદયપુર નવી વંદે ભારતનું એલાન
ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ સંપર્કને વધુ મજબૂત બનાવવા માટે રેલવે બોર્ડ દ્વારા સુરત અને ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનનું સંચાલન અને તારીખ
પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત આ સેમી-હાઇ-સ્પીડ ટ્રેન નવરાત્રિના સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ નવી ટ્રેનનું ઔપચારિક ઉદ્ઘાટન 2 ઓક્ટોબર, 2026ના રોજ સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર 09103 તરીકે સ્પેશિયલ પ્રવાસ સાથે થશે. ત્યારબાદ, મુસાફરો માટે નિયમિત સેવા 4 ઓક્ટોબર, 2026થી ટ્રેન નંબર 26903/26904 સાથે શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે, પરંતુ મેન્ટેનન્સના કારણોસર તે દર મંગળવારે દોડશે નહીં.
ટાઈમટેબલ અને અંતર
-
સુરતથી ઉદયપુર (ટ્રેન નંબર 26903): આ ટ્રેન સુરતથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે.
-
ઉદયપુરથી સુરત (ટ્રેન નંબર 26904): પરત ફરતી વખતે આ ટ્રેન બપોરે 3:35 વાગ્યે ઉદયપુરથી રવાના થઈને રાત્રે 11:00 વાગ્યે સુરત પહોંચશે.
આ ટ્રેન અંદાજે 690 કિલોમીટરનું અંતર માત્ર 7 કલાક અને 30 મિનિટમાં પૂરું કરશે.
રૂટ અને મુખ્ય સ્ટોપેજ
સુરત અને ઉદયપુર વચ્ચે શરૂ થયેલી આ નવી વંદે ભારત ટ્રેનથી વ્યાપારી, ટેક્સટાઈલ વેપારીઓ અને પ્રવાસીઓને સીધો લાભ મળશે. આ ટ્રેન બંને દિશામાં નીચે મુજબના મુખ્ય સ્ટેશનો પર રોકાશે:
સુરત
ભરૂચ
વડોદરા
આણંદ
મણિનગર
અસરવા
હિમતનગર
શામળાજી રોડ
ડુંગરપુર
જાવર
ઉદયપુર સિટી
અગાઉ ચાલતી ઉદયપુર સિટી-અસરવા (અમદાવાદ) વંદે ભારત ટ્રેનનો જ હવે સુરત સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે, જેનાથી ડાયમંડ સિટી સુરત અને લેક સિટી ઉદયપુર વચ્ચે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ ગઈ છે

