SMCના કર્મચારી બની ટ્રાફિક સિગ્નલની બેટરીઓ ચોરતી ટોળકીનો પોલીસે કર્યો પર્દાફાશ, જાણો કેવી રીતે આચરતા હતા ઠગાઈ

સુરત શહેરમાં જાહેર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલોમાં લગાવવામાં આવતી મોંઘી બેટરીઓની ચોરી કરતી એક શાતિર ટોળકીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. SMCના કર્મચારી તરીકેનો દાવો કરી ટ્રાફિક સિગ્નલોમાંથી ઇન્વર્ટર બેટરીઓની ચોરી કરનારા બે આરોપીઓની ગોડાદરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાન્ડે તરીકે થઈ છે. આ બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા.
બપોરે 12 થી 4 ના સમયગાળાનો મેળવતા લાભ
સુરતમાં પાવર કટ દરમિયાન પણ ટ્રાફિક સિગ્નલો ચાલુ રહે તે માટે યુપીએસ અને બેટરી બેકઅપ રાખવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલો બંધ રહેતી હોવાની ફરિયાદો ઉઠી હતી. ચોર ટોળકી સુરતમાં બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રહેતા સમયનો લાભ ઉઠાવતી હતી. આરોપીઓ SMCના ડ્રેસમાં જઈને જ બેટરીઓની ચોરી કરી લેતા હતા. જો કોઈ વાહનચાલક કે સ્થાનિક પૂછપરછ કરે તો તેઓ પોતાને મેન્ટેનન્સ સ્ટાફ ગણાવી બેટરી રિપેરિંગમાં લઈ જવાનું બહાનું બતાવતા હતા.

