Surat News: અશાંતધારા મુદ્દે MLAની ગાંધીનગરમાં રજૂઆત, મિલકત ખરીદી પર SOP બનાવવાની માગ

સુરતમાં અશાંતધારા વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા સંપત્તિ ખરીદવામાં આવેલા કેસોમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે ધારાસભ્ય અરવિંદ રાણાએ ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરે રજુઆત કરી છે. તેઓએ અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિની મુલાકાત લઈ સમગ્ર મામલે તપાસ તથા સ્પષ્ટ SOP ઘડવાની માંગ કરી છે.
પુનઃ તપાસ કરવાની ખાતરી
ધારાસભ્યએ આક્ષેપ કર્યો કે સુરત સહિતના અનેક હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓએ મિલકત ખરીદી છે, જેમાં ભ્રષ્ટાચાર થકી મંજૂરીઓ આપવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના 32(2)(6) નિયમ મુજબ મિલકત ટ્રાન્સફર માટે પો.ઈન્સ્પેક્ટર, મામલતદાર, SDM અને મદદનીશ પોલીસ કમિશનરની સંયુક્ત તપાસ બાદ જ મંજૂરી આપવામાં આવવી જોઈએ. કેટલાક મહેસૂલ વિભાગના અધિકારીઓએ પ્રક્રિયા પાળ્યા વિના મંજૂરી આપી દીધી હોવાનું ગંભીર આક્ષેપ ધરાસભ્યએ કર્યો હતો. ગંભીર તત્વોને ધ્યાને લઈ અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિએ તાત્કાલિક કાર્યવાહી તરીકે સુરતના કલેક્ટરને ગાંધીનગર બોલાવ્યા છે અને દરેક કેસની પુનઃ તપાસ કરવાની ખાતરી પણ આપી છે.
શું છે મુખ્ય માંગ
- વિધર્મીઓની મિલકત ખરીદી અંગે એક સ્પષ્ટ SOP બનાવવામાં આવે.
- અગાઉ આપવામાં આવેલી મંજૂરીઓની પુનઃ તપાસ થાય.
- ભ્રષ્ટાચારનાં સંકેતો મળતાં જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી થાય.

