Surat News: સંજય ગોરડિયાએ કહ્યું- ભાષા વિવાદ જેવું મુંબઈ બહાર જોવા મળે છે અમને અનુભવ નથી થતો

મહારાષ્ટ્રમાં હાલ મરાઠી-હિન્દી સહિતની ભાષાઓનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતીઓની હાલત મુંબઈમાં કેવી છે તે અંગે ગુજરાતી ફિલ્મ અને નાટક સાથે સંકળાયેલા સંજય ગોરડિયા સુરતના મહેમાન બન્યા હતાં. મહારાણી ફિલ્મના પ્રમોશનમાં આવેલા સંજયે કહ્યું કે, મુંબઈની હાલત ખૂબ જ સારી છે. અમને ક્યાંય પણ ખરાબ અનુભવ થયો નથી. અમે વર્ષોથી મુંબઈમાં રહીએ છીએ. અમને ક્યારેય કોઈ ખરાબ અનુભવ થયો નથી.
ગુજરાતી ફિલ્મ મહારાણીના એક્ટ્રેસ માનસી પારેખે કહ્યું કે, ભાષા વિવાદ માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે. અમારું ગુજરાતી ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મોમાં મરાઠીના કલાકારોએ પણ અગાઉ ભૂમિકાઓ નિભાવી છે. અમે પણ અન્ય ભાષાની ફિલ્મો કરીએ છીએ. શ્રદ્ધા ડાંગરે તેલુગુ ફિલ્મ પણ કરી છે. ભાષા વિવાદ કલાકારોને હજુ સુધી અનુભવાયો નથી.
ફિલ્મ વિષે વિરલ શાહે કહ્યું કે, મહારાણી ફિલ્મની કથા રાણી (શ્રદ્ધા ડાંગર) આસપાસ ફરે છે, જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી ક્વર્કી અને ગફલતભરી કામવાળી છે. મહારાણી આ ઘરના માલિક - માનસી પરેખ અને ઓજસ રાવલ ના જીવનની વાર્તા છે. રાણીનો ગેરવ્યવસ્થિત સ્વભાવ અને અણઘડ આચરણ ઘરભરમાં કયારેક હાસ્યનો વિષય બને છે તો કયારેક પરેશાનીનું કારણ. રોજબરોજના કામકાજ દરમિયાન તે જે ઘોર ગોટાળો ઊભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા મજબૂર કરે છે.

