VIDEO: સુરતના સારોલીમાં સંગીની ટેક્સટાઇલ હબમાં ભીષણ આગ, ફાયર વિભાગે જાહેર કર્યો બ્રિગેડ કોલ
સુરતના સારોલી વિસ્તારમાં આવેલા સંગીની ટેક્સટાઇલ હબ-Bમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ટેક્સટાઇલ હબના બીજા માળે અચાનક આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મોટી માત્રામાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
બ્રિગેડ કોલ જાહેર
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની ગંભીરતા જોતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
આગ વિકરાળ હોવાના કારણે બીજા માળે પહોંચીને કામગીરી કરવામાં ફાયર જવાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગને કાબૂમાં લેવા માટે હાઈડ્રોલિક મશીન પણ ઘટનાસ્થળે મંગાવવામાં આવ્યું છે. ફાયર વિભાગની અનેક ટીમો આગને કાબૂમાં લેવા માટે હાલ કામગીરી કરી રહી છે.
આગ કયા કારણોસર લાગી અને આગમાં કેટલું નુકસાન થયું છે તે અંગેની વિગતો હાલ સામે આવી નથી. ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ નુકસાન અને આગના કારણ અંગે વધુ માહિતી સામે આવી શકે છે.

