VIDEO: સુરતના અમરોલીમાં જ્વેલર્સમાં લાગી ભીષણ આગ, વેપારીને મોટા નુકસાનની આશંકા
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એમ.એન. જ્વેલર્સમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. અમરોલી ચાર રસ્તા પાસે આવેલી જ્વેલર્સની દુકાનમાં આગ લાગ્યાની જાણ થતાં જ કતારગામ ફાયર સ્ટેશનની અનેક ફાયર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી.
મોટા નુકસાનની આશંકા
જ્વેલર્સની દુકાનમાં સોના-ચાંદીના દાગીના હોવાના કારણે આગની ઘટનામાં મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ ફાયર વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
હાલ આગમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેમજ કેટલું નુકસાન થયું છે તે અંગેની સત્તાવાર વિગતો સામે આવી નથી. ફાયર વિભાગની ટીમો દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા અને સ્થિતિને નિયંત્રણમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

