VIDEO: સુરતની રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
સુરતના કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી રિજન્ટ ટેક્સટાઇલ માર્કેટમાં ગુરુવારે આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. માર્કેટના ત્રીજા માળે અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. માર્કેટમાં કપડાં સહિતનો સામાન હોવાના કારણે આગ વધુ પ્રસરે નહીં તે માટે ફાયર વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
ઘટનાનું કારણ અકબંધ
આગના કારણે માર્કેટમાં રહેલા માલસામાનને નુકસાન થયું હોવાની શક્યતા છે. જોકે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનની ચોક્કસ વિગતો સામે આવશે. પ્રાથમિક માહિતી મુજબ, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ લાગતા માર્કેટમાં હાજર લોકો અને આસપાસના વેપારીઓમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવ્યા બાદ કારણ અને નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

