VIDEO: સારોલી વિસ્તારની માર્કેટો અને ગોડાઉનોમાં પાણી ભરાતા સાડીઓ અને ગ્રે કાપડનો જથ્થો પલળ્યો: તહેવારો ટાણે વેપારીઓની મુશ્કેલી વધી
ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદે વેપારીઓની ચિંતામાં મોટો વધારો કર્યો છે. શહેરના સારોલી વિસ્તાર સહિત અનેક ટેક્સટાઇલ માર્કેટોમાં પૂરના પાણી ફરી વળવાથી દુકાનો અને ગોડાઉનોમાં રાખેલો કરોડો રૂપિયાનો માલસામાન અટવાઈ પડ્યો હતો અને સાડીઓ તથા ગ્રે કાપડનો વિપુલ જથ્થો પાણીમાં પલળી ગયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ આ કુદરતી આફતના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને રૂ. ૨૦૦ કરોડથી વધુનું જંગી નુકસાન થયું છે. હાલ પાણી ઓસર્યા બાદ વેપારીઓ પલળેલા માલને સુકવવા માટે પ્રોસેસિંગ મિલોમાં મોકલીને ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. જો કે, આગામી સમયમાં ગણેશ ઉત્સવ અને દિવાળી જેવા મોટા તહેવારોની મોસમ પૂર્વે જ થયેલા આર્થિક નુકસાનના કારણે કાપડના વેપાર પર ગંભીર અસર જોવા મળશે અને વેપારીઓ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

