VIDEO: સાબરકાંઠા / સારોલી આશ્રમશાળા કેમ્પસમાં લાગી ભીષણ આગ, વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર સ્થિત સારોલી આશ્રમશાળા કેમ્પસમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આશ્રમશાળાના છાત્રાલય નજીક રસોઈના બળતણ માટે રાખવામાં આવેલા સૂકા લાકડાના જથ્થામાં કોઈ કારણોસર આગ લાગી હતી, જે જોતજોતામાં ઝડપથી આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. રહેણાંક વિસ્તારની નજીક જ આગ લાગી હોવાથી વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી, જોકે સ્થાનિકોએ સતર્કતા દાખવી તાત્કાલિક ઈડર નગરપાલિકાની ફાયર ટીમને આ અંગે જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના પરિણામે એક મોટી દુર્ઘટના અને વધુ નુકસાન થતું અટકી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ સૂકા લાકડા બળીને ખાખ થઈ જતા કેમ્પસમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આમ, સમયસરની કામગીરીને કારણે આશ્રમશાળાના બાળકો અને ઈમારત સુરક્ષિત રહ્યા હતા.

