VIDEO: સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી; હથિયાર છીનવવા જતા કુખ્યાત બારકુ પાટીલ પર ફાયરિંગ, પગમાં વાગી ગોળી
સુરત ક્રાઈમ બ્રાન્ચે સચિન GIDC વિસ્તારમાં આવેલા બુડિયા ગામના નાકા પાસેથી અનેક ગંભીર ગુનાઓ આચરી ચૂકેલા કુખ્યાત શખ્સ જયેશ ઉર્ફે બારકુ પાટીલ (યુવરાજ વાઘનો પુત્ર)ને દબોચી લીધો છે. 35થી વધુ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આ આરોપીએ ટ્રાન્સફર વોરંટ દરમિયાન સફોકેશનનું બહાનું કાઢી પોલીસનું હથિયાર છીનવી લેવાની કોશિશ કરી હતી, જેના જવાબમાં પોલીસને પગમાં ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં તેને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવાની કવાયત હાથ ધરી છે. આ સનસનાટીભરી ઘટના પગલે સમગ્ર પંથકમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દરમિયાન બુઢાણા ગામ પાસે ઘટના
સમગ્ર ઘટના અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું છે કે રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવીને તેને કસ્ટડીમાં લેવા માટે ક્રાઈમ બ્રાન્ચ લાવી રહી હતી ત્યારે બુઢાણા ગામ પાસે તેણે સફોકેશનનું બહાનું ધરી ગાડી રોકાવી હતી. આ દરમિયાન તેણે પોલીસની હથિયાર છીનવવાની કોશિશ કરી હતી, જેના જવાબમાં થયેલા ફાયરિંગમાં તેને ઈજા થઈ હતી.
ભાજપ યુવા નેતા જય દલાલ મર્ડર કેસમાં સંડોવણી
સુરત ક્રાઈમ બ્રાન્ચે મનિયા ડુક્કરને કુંદના પોલીસ સ્ટેશનના જય દલાલ મર્ડર કેસમાં મહારાષ્ટ્રના જલગાંવથી પકડીને લાવ્યો હતો. પૂછપરછ દરમિયાન મર્ડરમાં તેની સંડોવણી સામે આવી હતી અને તેણે જયેશ ઉર્ફે બારકુ પાટીલ સાથે મળીને ત્રણ અલગ-અલગ હથિયારોમાં પોતાની સંડોવણી હોવાનું જણાવ્યું હતું.
35થી વધુ ગુનાઓ નોંધાયેલા
આ આરોપી સામે સુરત અને ગુજરાતના અન્ય શહેરોમાં 35થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં પાંચથી વધુ આર્મ્સ એક્ટના કેસ, લૂંટ અને હથિયાર સાથેના કેસો સામેલ છે. મનિયા ડુક્કર અને બારકુ પાટીલ સાથે મળીને અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસે જરૂરી બળ વાપરીને તેને પકડ્યો છે અને હાલ તેને સારવાર તેમજ આગળની તપાસ અર્થે રાખવામાં આવ્યો છે.

