સુરતમાં DCP નકુમે આરોપીઓને જાહેરમાં બેરહેમીપૂર્વક માર્યો માર, કોર્ટ અને DGPના આદેશના ઉડાડ્યા લીરેલીરા

તાજેતરમાં જ IPS કેડરમાં પ્રમોશન મેળવનારા અને સુરતના વિવાદિત નાસીરનગર ડિમોલીશન વખતે ચર્ચામાં આવેલા DCP રાજદીપસિંહ નકુમ ફરી એકવાર મોટા વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. કાયદાનું રક્ષણ કરવાની જેમની જવાબદારી છે, તેવા ઉચ્ચ અધિકારી જ જાણે સુપ્રીમ કોર્ટ અને તત્કાલીન ગુજરાત પોલીસ વડા (DGP)ના કડક નિયમોને ઘોળીને પી ગયા હોય તેવો ગંભીર કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સલાબતપુરા વિસ્તારમાં પકડાયેલા આરોપીઓને જાહેરમાં ઢોર માર મારીને કાયદાના લીરેલીરા ઉડાડવામાં આવ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં DCP નકુમની કામ કરવાની રીત સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
રસ્તા પર 'ન્યાય' કે અન્યાય?
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના પ્રયાસના ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓને કાયદાકીય પ્રક્રિયા હેઠળ કોર્ટમાં રજૂ કરી પીડિતને ન્યાય અપાવવાના બદલે ડીસીપી રાજદીપસિંહ નકુમ અને તેમના સ્ટાફે વિવાદાસ્પદ 'પાઠ' ભણાવવાનું નક્કી કર્યું. પોલીસે આરોપીના રિકન્સ્ટ્રક્શનના બહાને જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. એટલું જ નહીં, રસ્તામાં થોડા-થોડા અંતરે ઊભા રાખીને આરોપીઓના વાળ પકડી, તેમને લાફા અને લાકડીઓથી બેરહેમપણે ફટકારવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયો અનુસાર, ખુદ ડીસીપી નકુમે જ આરોપીઓ પર 25થી વધુ લાકડીના ફટકા ઝીંક્યા હતા.
ગુનેગારોને સજા આપવાનું કામ ન્યાયતંત્રનું, કેમ DCP નકુમ કાયદો હાથમાં લઈ રહ્યા છે?
આ ઘટનાના જે વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે તે પોલીસ પ્રણાલી સામે અનેક સવાલો ઊભા કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસના નિર્દયી મારના કારણે આરોપીઓ રસ્તા પર સરખી રીતે ચાલી પણ શકતા ન હતા. તેઓ પોલીસ સામે કરગરી રહ્યા હતા અને દયાની ભીખ માંગતા હતા. મહત્વનું છે કે ગુનેગારોને સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે, પરંતુ અહીં પોલીસ પોતે જ ન્યાય તોળવા બેસી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો. આ જોઈને સવાલ એ થાય છે કે શું ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ માટે કાયદાના નિયમો લાગુ પડતા જ નથી?
તત્કાલીન DGPના સત્તાવાર પરિપત્રના લીરેલીરા
ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસમાં કસ્ટોડિયલ હિંસા નાબૂદ કરવા અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની અમાનવીય પ્રથા બંધ કરવા માટે તત્કાલીન ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા એક અત્યંત મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ સત્તાવાર આદેશમાં સ્પષ્ટ લખાયું હતું કે પોલીસ કોઈપણ ગુનેગારનું જાહેરમાં સરઘસ કાઢી શકશે નહીં, તેમની પાસે ઉઠક-બેઠક કરાવી શકશે નહીં કે ઘૂંટણિયે ચલાવી શકશે નહીં. ગુનો ગમે તેટલો ગંભીર હોય, તો પણ કાયદા વિરુદ્ધ જઈને જાહેરમાં લાત કે લાકડી મારી શકાય નહીં. ડીસીપી નકુમની આ કાર્યવાહીએ ડીજીપીના એ સત્તાવાર આદેશના લીરેલીરા ઉડાડી દીધા છે.
'ખેડા ફ્લોગિંગ કેસ'ની સજામાંથી પણ પાઠ ન શીખ્યા?
આ ઘટનાએ વર્ષ 2022ના કુખ્યાત 'ખેડા ફ્લોગિંગ કેસ'ની યાદ તાજી કરાવી દીધી છે, જેમાં ઉંઢેલા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાના આરોપીઓને પોલીસે થાંભલા સાથે બાંધીને જાહેરમાં લાકડીઓ ફટકારી હતી. એ કેસમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવીને 4 પોલીસકર્મીઓને કોર્ટના તિરસ્કાર બદલ દોષિત ઠેરવી 14 દિવસની જેલની સજા ફટકારી હતી. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પોલીસને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી. સુરતની આ તાજી ઘટના દર્શાવે છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાઈકોર્ટના આ સીમાચિહ્નરૂપ ચુકાદા અને સજામાંથી કોઈ પાઠ શીખવા તૈયાર નથી.
શું હતો સમગ્ર કેસ?
સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી માનદરવાજા રેલ રાહત કોલોનીમાં ફરિયાદી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કુલ 5 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસનું કહેવું છે કે કાયદો હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે ગુનેગારોને પકડવાની કામગીરી બાદ જાહેરમાં કાયદો હાથમાં લઈને કાયદાના રક્ષકો પોતે જ ગુનેગારની જેમ વર્તન કરી રહ્યા છે, આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે પરંતુ જ્યારે નિયમો અને કાયદાકીય પ્રક્રિયાનો ઉલાળિયો કરવામાં આવે ત્યારે ગંભીર સવાલો પણ ઊભા થવા જરૂરી છે.

