VIDEO: Suratમાં રોગચાળાએ લીધો ભરડો, 3નાં મોત, ઝાડા-ઉલટીના કેસમાં વધારો
સુરતમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ત્રણ દર્દીઓનાં મોત થયાં છે. પાંડેસરામાં 9 માસની બાળકી, ઉધનામાં 2 વર્ષના બાળક તથા લિંબાયતમાં 70 વર્ષીય વૃદ્ધનું ઝાડા-ઉલટી અને તાવની અસરથી અવસાન થયું છે. શહેરમાં ડેંગ્યુ, મલેરિયા, તાવ અને ઝાડા-ઉલટીના કેસો ઝડપી ગતિએ વધી રહ્યા છે. માત્ર સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જ છેલ્લા 15 દિવસમાં ડેંગ્યુના 242, તાવના 210, મલેરિયાના 115 અને ઝાડા-ઉલટીના 88 કેસ નોંધાયા છે.ઝૂંપડપટ્ટી અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં અપૂરતી આરોગ્ય સુવિધાઓને કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. શેરી-ગલીઓના નાકે આવેલા દવાખાના, ખાનગી ક્લિનિક અને હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોની તુલનાએ ઓપીડીમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગના પાંચમા માળે રાતોરાત નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ડેંગ્યુ, મલેરિયા અને ઝાડા-ઉલટીના દર્દીઓને વધારાની સુવિધાઓ સાથે સારવાર આપવામાં આવશે.

