VIDEO: સુરત ઉન પાટિયા પાસે બેફામ કાર ચાલકે વૃદ્ધાને અડફેટે લીધી, સારવાર મળે તે પહેલાં થયું મોત
શહેરના ઉન પાટીયા સનાબીલ વિસ્તાર નજીક એક અત્યંત કરુણ અને ગંભીર હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ટાટા કંપનીની સીયારા કારના ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા એક વૃદ્ધ મહિલાને જોરદાર અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં સેંધાના રહેવાસી નિર્મલાબેન ગંભીર રીતે ઘવાયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્વરિત 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. નિર્મલાબેનને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર મળે તે પહેલાં જ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમાચારથી પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માત સર્જી કારચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં આ હીટ એન્ડ રન કેસમાં હવે ચાલક સામે કડક કાર્યવાહીનો સવાલ ઊભો થયો છે. બનાવની જાણ થતાં જ ભેસ્તાન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ મેળવી ફરાર કારચાલકની શોધખોળ સહિત આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ઉન પાટીયા સનાબીલ પાસે બનેલી આ જીવલેણ ઘટનાએ ફરી એકવાર માર્ગો પર બેફામ દોડતા વાહનો અને વાહનચાલકોની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં પણ આવા બેદરકાર ચાલકો સામે આકરામાં આકરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

