Surat: વ્યાજખોરોના ત્રાસથી હીરા વેપારીનો આપઘાત, પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક હીરા વેપારીએ જીવન ટૂંકાવી લીધું હતું. આ હૃદયદ્રાવક ઘટના બાદ ઉત્રાણ પોલીસે કડક વલણ અપનાવી બે વ્યાજખોરોની ધરપકડ કરી છે અને તેમને ઘટનાસ્થળે લઈ જઈને ક્રાઈમ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
મૃતક હીરા વેપારીએ આપઘાત કરતા પહેલા પોતાની પત્નીના મોબાઈલમાં એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે વ્યાજખોરો દ્વારા આપવામાં આવતા ત્રાસ અને પોતાની લાચારી વિશે હૃદયદ્રાવક રજૂઆત કરી હતી. આ વીડિયો પુરાવા તરીકે સામે આવતા પોલીસે ત્રણ વ્યાજખોરો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ઉત્રાણ પોલીસે આ મામલે ત્રણ પૈકી બે વ્યાજખોરોને ઝડપી પાડ્યા છે. પોલીસ આ બંને આરોપીઓને મૃતક હીરા વેપારીના ઘરે લઈ ગઈ હતી, જ્યાં સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને વ્યાજખોરો રસ્તા પર ખુલ્લા પગે અને લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા.
ઘટનાસ્થળે જ્યારે આરોપીઓને લાવવામાં આવ્યા ત્યારે મૃતકની પત્ની અત્યંત ભાવુક થઈ ગઈ હતી. તેમણે બે હાથ જોડીને પોલીસને અપીલ કરી હતી કે, આ વ્યાજખોરોને એવી કડક સજા આપો કે જેવી રીતે મારા પતિએ જીવ ગુમાવ્યો, તેવું બીજા કોઈ સાથે ન બને.

