VIDEO: Surat / કોંગ્રેસ નેતાને અતિ ઉત્સાહ ભારે પડ્યો, મેન્ડેટ વગર જ ફોર્મ ભરી દીધું; સોશિયલ મીડિયા પર જાહેરાત બાદ ફજેતી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાની વરાડ જિલ્લા પંચાયત બેઠક પર એક હાસ્યાસ્પદ ઘટના સામે આવી છે. કોંગ્રેસના એક નેતાએ પક્ષ દ્વારા મેન્ડેટ અપાય તે પહેલા જ પોતે ઉમેદવાર હોવાનું માની લઈને ફોર્મ ભરી દેતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે.
વરાડ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના અગ્રણી ભાવિન ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સામાન્ય રીતે પક્ષ દ્વારા સત્તાવાર મેન્ડેટ (અધિકૃત પત્ર) આપ્યા બાદ જ ફોર્મ ભરવામાં આવતું હોય છે, પરંતુ અહીં ભાવિન ચૌધરીએ મેન્ડેટની રાહ જોયા વગર જ પોતાનું ઉમેદવારી પત્રક ભરી દીધું હતું.
આશ્ચર્યની વાત તો એ છે કે, પક્ષ દ્વારા ઉમેદવારોના નામ નક્કી થાય કે મેન્ડેટ અપાય તેના બે દિવસ પહેલા જ ભાવિન ચૌધરીએ સોશિયલ મીડિયા પર પોતે ઉમેદવાર હોવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકીને સમર્થકોને જાણ કરી દીધી હતી કે તેઓ વરાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
પક્ષની સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ પોતે ઉમેદવાર બની જવાની આ ઘટના હવે ચર્ચાનો વિષય બની છે. રાજકીય વિશ્લેષકો આને "અતિ ઉત્સાહ" ગણાવી રહ્યા છે. કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં પણ આ મુદ્દે અનેક અટકળો વહેતી થઈ છે કે આખરે કયા આધારે નેતાએ મેન્ડેટ વગર જ પોતાની દાવેદારી ફોર્મ સ્વરૂપે રજૂ કરી દીધી. ત્યારે આજે ફોર્મ ચકાસણી દરમીયાન ભાંડો ફૂટ્યો હતો. ત્યારે કોંગ્રેસે રોહિત ચૌધરી નામના યુવા કાર્યકર્તાને મેન્ડેટ આપ્યુ હતું, જેથી તેનુ ફોર્મ માન્ય રહ્યું.

