Surat News: ટ્રમ્પના ટેરિફ બોમ્બ સામે બનાવાશે કમિટી, દોઢેક મહિનામાં સરકારને આપશે રિપોર્ટ- CMA નિરજ જોશી

છેલ્લા ઘણા સમયથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર નાખવામાં આવેલા ટેરિફ બોમ્બને લઈને ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે સુરતના સરસાણા પ્લેટિનમ હોલમાં સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરના કાર્યક્રમમાં આવેલા CMA નિરજ જોશીએ કહ્યું કે, હાલ ટેરિફ મુદ્દે અલગ અલગ રીતે વિચારણાઓ ચાલી રહી છે. ત્યારે આગામી દોઢેક મહિનામાં એક કમિટી બનાવીને સરકારને રિપોર્ટ આપવામાં આવશે. જેના આધારે આગામી સમયમાં સરકાર સબસિડી આપવી કે પછી ટેક્સના દર ઘટાડવા માટેની વિચારણા થઈ શકે છે.
800 વિદ્યાર્થીને સન્માનિત કરાયા
CMA ફાઉન્ડેશન, ઇન્ટરમિડીયેટ અને ફાઇનલ કુલ 800 જેટલા વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દિલ્હી હેડ ક્વાટરના નેશનલ વાઈસ પ્રેસિડન્ટ CMA નિરજ જોશી હાજર રહ્યાં હતાં. તેમણે વિદ્યાર્થીઓના સન્માન કરવાની સાથે સાથે પોતાની સ્પીચમાં કહ્યું કે, હાલ એઆઈનો યુગ ચાલી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓએ એઆઈનો કેવી રીતે સદઉપયોગ કરવો તે અંગે પણ માહિતગાર થવાની જરૂર હોવાનું કહ્યું હતું.
સરકારી નોકરીમાં ઉજ્જવળ તક
નિરજ જોશીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું કે, હાલ નવા નવા સીએમએ બ્રાંચમાં ખૂબ જ તકો રહેલી છે. કેન્દ્ર સરકારની નોકરીઓમાં ઘણી તક રહેલી છે. તેના વિષે પણ અભ્યાસક્રમ દાખલ કરવામાં આવશે. સીએમએ વિશાળ બ્રાંચ છે. હાલ જે ટેરિફની અસરથી ભારત પર સંકટ આવ્યું છે. તેના માટે પણ કામ કરવામાં આવશે. આગામી સમયમાં વધારે વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં પોતાની કારકીર્દી બનાવે તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે.

