VIDEO: બારડોલી નજીક બે બસ વચ્ચે અકસ્માત થતા 7 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત થતા 7 લોકોના મોત નિપજ્યા છે. બારડોલી તાલુકાના ઉવા - માણેકપોર ગામ વચ્ચે બે બસ વચ્ચે આ અકસ્માત થયો હતો, જેમાં એક બસ પલટી મારી હતી. મહારાષ્ટ્ર ડેપોની બસ ધુલિયાથી નવાપુર થઈ સુરત જતી હતી.
બસ પલટી મારી જતાં ધડાકા સાથે બસમાં આગ લાગી હતી. આ બનાવમાં 7 લોકોના મોત થયા છે અને હજુ મૃત્યુઆંક વધવાની આશંકા છે. 7 મૃતદેહોને બારડોલી પીએમ રૂમ પર લવાયા છે. બારડોલી ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
બે સરકારી એસ.ટી. બસો વચ્ચે ભયાનક ટક્કર
મળતી માહિતી મુજબ, બારડોલીના ઉવા ગામ નજીક બે સરકારી એસ.ટી. બસો વચ્ચે ખતરનાક ટક્કર વાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને બસ મહારાષ્ટ્ર પાસિંગની છે. ઘટના એમ છે કે, હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું હતું. આમ પાછળ આવતી બસના ચાલકે ટેન્કર સાથે અથડામણ ટાળવાનો પ્રયત્ન કરતા બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેમાં બસ ડીવાઈડર કૂદી સામે આવતી અન્ય બસ સાથે ભયંકર રીતે ટકરાઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં એક બસ CNG હોવાથી ટક્કર બાદ તેમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

