VIDEO: સુરતમાં નક્ષત્ર સેફ હાઉસમાં 2.67 કરોડના દાગીના ગાયબ થતાં જ હોબાળો, કરોડોનું કૌભાંડ કરનાર પિતા-પુત્રો સહિત 4ની ધરપકડ
સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલા ‘નક્ષત્ર સેફ હાઉસ’માંથી ગ્રાહકોના 2.67 કરોડ રૂપિયાના 206 તોલા સોનાના દાગીના ગાયબ થઈ જવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ચોરી અને છેતરપિંડીના આ અહેવાલો વાઇરલ થતાં જ સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સિંગણપોર બ્રાન્ચમાં સર્જાયેલી અફરાતફરી બાદ પોતાના કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા વરાછા સહિતની અન્ય શાખાઓમાં પણ લોકરધારકોની લાંબી લાઈનો અને દોડધામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે.
સોનું પચાવી પાડવા પિતા-પુત્રોનું પૂર્વઆયોજિત કાવતરું
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરી અચાનક બનેલી ઘટના નથી, પરંતુ સેફ હાઉસના સંચાલકો દ્વારા ઘડાયેલું એક મોટું કાવતરું છે. નક્ષત્ર સેફ હાઉસની સુરતમાં 3 બ્રાન્ચ છે, જેમાં 2500થી વધુ લોકર ઉપલબ્ધ છે. આ ચર્ચિત પ્રકરણમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા, તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા, તથા લોકર બ્રેકર મણીલાલ સામે ચોરી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ચારેય જણાએ મિલીભગત કરીને ગ્રાહકોની ગેરહાજરીમાં છાનામાના લોકરો તોડાવ્યા હતા. લોકરમાંથી સોનાના કિંમતી દાગીના કાઢીને તેને બજારમાં વેચી મારી કરોડો રૂપિયાની રકમ પચાવી પાડવાનો આખો પ્લાન ઘડવામાં આવ્યો હતો.
સુરતની તમામ શાખાઓ પર ગ્રાહકોનો હલ્લાબોલ
નક્ષત્ર સેફ હાઉસની સુરતમાં 3 શાખાઓમાં 2500થી વધુ લોકર આવેલા છે. સમાચાર વાઇરલ થતાં જ વરાછા બ્રાન્ચ પર પણ સેંકડો ગ્રાહકો અને બિલ્ડરો પોતાના લોકરની તપાસ કરવા ધસી આવ્યા હતા. ટેકનિકલ અડચણો અને સંચાલકોના અસ્પષ્ટ જવાબોને કારણે સ્થિતિ વણસતાં આખરે પોલીસે આવીને બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જેટલા ગ્રાહકોના લોકર ખૂલ્યા, તેઓ પોતાના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ તાત્કાલિક ઘરે લઈ ગયા હતા.
મે થી જુલાઈ વચ્ચે થઈ ગયો ખેલ
ફરિયાદી રમેશભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ, મે 2026માં જ્યારે તેમના સંબંધીઓએ B/202 નંબરનું લોકર ચેક કર્યું ત્યારે તમામ દાગીના સુરક્ષિત હતા. પરંતુ જુલાઈ મહિનામાં પ્રસંગ હોવાથી જ્યારે તેઓ દાગીના કાઢવા ગયા ત્યારે લોકરમાંથી 63 તોલા દાગીના ગાયબ હતા અને માત્ર થોડોક જ સામાન બચ્યો હતો. આ ઘટના બાદ આખા કૌભાંડનો ભાંડાફોડ થયો હતો.

